Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

HOME LEARNING

            આફત નથી,બાળકના આંગણિયે આવેલો અવસર છે !!

         બાળક શિક્ષણ માટે શાળા સુધી પહોંચી ન શકે ત્યારે શાળાએ બાળક પાસે જવું જોઈએ – આ વિધાન બોલાયું ત્યારે શિક્ષણ અંગેની સામાજિક જાગૃતિનો અભાવ હતો. ભણવાથી શું મળે ? અથવા તો ભણવાથી બગડી જવાય તેવી શંકા કુશંકા સમયનું આ વિધાન  છે. વાલીઓ બાળકોને શિક્ષણ થી બચાવી રહ્યા હતાં તે સમયે આહવાન હતું કે દરેક વ્યક્તિનું જીવન ધોરણ વધુ સારું બનાવવા માટે શિક્ષણ અનિવાર્ય છે. સામાજિકતાને અસરકાર બનાવવા શિક્ષણ જ એક માત્ર ઉપાય છે.

આજે ઘણી ખરી પરિસ્થિતિ બદલાઈ છે. શિક્ષણ એ મોટાભાગના સમાજમાં મહત્વનું બની ગયું છે. પહેલાંની જેમ સમગ્ર કહી શકાય તેવા આખા સમાજને બદલે અત્યારે પરિવારની વ્યક્તિગત અજાગૃતતા જ અશિક્ષિત કે અર્ધશિક્ષિત રહેવાનું કારણ બને છે. પાછાં એવા પરિવારોની દયનીય સ્થિતિ જોઈએ ત્યારે એ વાક્ય પર પૂરો ભરોસો બેસી જાય છે કે “ખરેખર શિક્ષણ જ સર્વ મુશ્કેલીઓનો ઉપાય છે.”  આજે નાનકડા ગામડાના ઘરથી માંડી શહેરની સોસાયટીઓ સુધી સૌ પોતાના બાળકને સારું  શિક્ષણ અપાવવાની ઉત્કંઠા ધરાવે છે. સુવિધાઓનો અભાવ ધરાવતાં વાલીઓ પણ બાળકના ભણતર માટે પેટે પાટા બાંધી રહ્યા છે. માટે આજે જો કોઈ વ્યક્તિને તમે પૂછો કે તમારી કમાણી વધી જાય અને બચત ભેગી થાય તો તમે પહેલું કામ શું કરો? – તો તેનો જવાબ હશે કે “બાળકોને સારું ભણાવી લઉં !”  હા હવે શિક્ષણ માટે વાલીઓમાં પણ આટલી તરસ આવી છે અને આ તરસ શૈક્ષણિક સંસ્થાઓ માટે ખુબ સારી વાત છે. તેનું કારણ કહું તો બાળકની શૈક્ષણિક પ્રક્રિયામાં શિક્ષક જેટલો જ રોલ વાલીઓનો પણ હોય છે જ ! આવા સબળ વાલીઓને કારણે જ આપણા સૌનું કામ પણ ઉભરી આવે છે. સૌ શિક્ષકોને અનુભવ છે જ કે આપણા ક્લાસના બાળકો પૈકી જે પરિવારોમાં ઘરે શિક્ષણ અંગે વાતચીત થતી હોય તેવા બાળકોમાં આપણા પ્રયત્નોનું પરિણામ આપણા ધાર્યા કરતાં પણ વધુ મળી રહે છે
આજે કોરોના વાયરસને કારણે શાળાઓની  સ્થિતિ બદલાઈ છે. હવે શૈક્ષણિક પ્રક્રિયા વિશે નવેસરથી વિચારવાનો સમય આવ્યો છે. આપણે સૌ આવી પરિસ્થિતિમાં બાળકો સાથે સંવાદ જાળવી રાખવા ટેકનોલોજીને શરણે થયા છીએ.. એક રીતે જોઈએ તો વર્ગખંડની સ્થિતિ ગામ વચ્ચે પહોંચી છે. હવે આપણા માટે ગામ જ જાણે વર્ગખંડ બની ગયો છે. આપણા એકલા માટે નહિ વાલીઓ માટે પણ આ સ્થિતિ નવી છે. ટેકનોલોજીના ઉપયોગની જરૂરિયાત હોઈ હવે એમ કહી શકાય કે શૈક્ષણિક પ્રક્રિયા હવે બાળક- વાલી – વાલી અને શિક્ષક એમ ત્રણ વચ્ચે થઇ રહી છે. મજાની વાત જોઈએ તો એ છે કે આ પ્રક્રિયામાં વાલી ટેકનોલોજીથી શીખી રહ્યો છે – બાળક ટેકનોલોજીથી શીખી રહ્યો છે.


 ત્યારે બીજી બાજુ તે વાલીઓ એટલે કે જેઓની પાસેના અપૂરતા સંશાધનો છે તેવા બાળકો માટેની જવાબદારી પણ આપણી વધી જાય છે.આવા બાળકોના ઘરે રૂબરૂ તેની કાળજી લેવા જઈશું ત્યારે લાગે છે કે તે વાલીઓની સ્થિતિનો તાગ અને છતાં પણ આપણા પ્રત્યેનો આવકાર જ આપણને કહી દેશે કે હે શિક્ષક હવે આ તારું બાળક છે અને તેના પ્રત્યે વધુ ધ્યાન આપવું એ જ તારું શિક્ષકત્વ છે.”
બાળકોની સાથે મળવાનો અને તેમની સ્થિતિ સાથે ભળવાનો આ મોકો છે. આફતને અવસરમાં બદલીએ એવું વાક્ય આપણે વારંવાર સાંભળ્યું છે. ફોન કે રૂબરૂ - ટીવી કે ઓનલાઇન ક્લાસ - બાળકોને ઘરે જ તેમની શૈક્ષણિક પ્રક્રિયા ચાલુ રહે તે માટે આપણે સૌ લાગી ગયા છીએ.  ત્યારે હવે આપણો તે બાળકો માટેનો પ્રેમ અને પ્રયત્ન પણ વાલીની સીધી નજર હેઠળ છે. ઘરે ઘરે બાળકોને મળવું, તેના શિક્ષણ માટેની વાતચીત કરવી, વાલીના ખબર અંતર પુછવા આ બધું અત્યારે સમાજ જોઈ રહ્યો છે. અને પહેલાંની જેમ માસ્તર ગામ આખામાં નીકળે એટલે ગામની મોજ એમ ફરીથી એ જ માન મોભા સાથે આ આફતમાંથી બહાર નીકળશું તેવી અમને તો આશા છે.
અને હા બીજો એક મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે તે તે પણ કહીએ કે બાળકોની પરિસ્થિત અને વાલીઓની સ્થિતિથી વાકેફ બની જયારે શાળાએ પરત ફરતાં હોઈશું ત્યારે આપણા મનમાં તે બાળક સાથે વર્ગખંડમાંના શૈક્ષણિક કાર્ય દરમ્યાનના આપણા વર્તનની યાદ આવતી હશે ? ક્યાંક પસ્તાવા રૂપે તો  ક્યાંક યાદગીરી રૂપે !

⍐ દુરદર્શન ધ્વારા ભણતા વિદ્યાર્થીઓ  ⬁

સતત એક પ્રકારનું કામ જીવનમાં રૂઢતા લાવી દે છે. દરેક માનવી સમયાંતરે પોતાના રૂટીનમાં કાંતો બદલાવ ઈચ્છે છે અથવા તો બ્રેક ઈચ્છતો હોય છે. આપણા રૂટીનમાં જીવાતા જીવન દરમ્યાન પણ જો વચ્ચે ફેરફાર ન આવે તો જીવનમાં પણ નીરસતા આવી જવાની સંભાવના રહેલી છે. અને એટલે જ તો, આવા બદલાવ અથવા તો બ્રેક માટે તહેવારોની ઉજવણી શરુ થઇ હશે. આવા ફેરફારો જીવનમાં નવો ઉત્સાહનો સંચાર કરી દેતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ જ કે જે કાર્યમાં ઉત્સાહ ઉમેરાય તેના પરિણામોમાં ૧૦૦% સફળતાની આશા દેખાઈ આવે છે. દેખાઈ શું આવે ૧૦૦% પરિણામ મળી જ રહે છે. એનાથી જ સમજી શકાય છે કે કોઇપણ કાર્ય સતત એક રૂટીનમાં થવું એ તેની ખરાબ રીતે થઇ રહ્યાની અને અસફળતા મળવાની પણ નિશાની છે.!!

કાર્યનો ઉત્સાહ જળવાઈ રહે તે માટેનો બીજો નિયમ એ છે કે તેના માટે નિરીક્ષકો હોવા મહત્વના છે. તમને વાત કરું તો ક્રિકેટ આટલી ફેમસ કેમ બની અને ગલીએ ગલીએ રમાતી કબ્બડ્ડી અને કુસ્તી કેમ પાછળ રહી ગઈ એવું અમને જયારે કોઈ બીજો પૂછે ત્યારે અમારો જવાબ એ જ હોય કે પ્રેક્ષકો વિના ! જયારે કોઈ જોનાર નથી, ત્યારે કોઈ રમનાર પણ નથી ! કારણ કે કોઈ જોતું નથી એટલે ખેલાડીઓમાં  રમવાનો ઉત્સાહ પણ નથી બનતો ! અને તેની સામે ક્રિકેટે તે સમયે સમય સુચકતા વાપરી રમતમાં ટેકનોલોજીનો સંપૂર્ણપણે  ઉપયોગ કરી શેરી મહોલ્લા અને ગલીએ ગલીએના તમામ પ્રેક્ષકોને પહેલાં રેડિયા સામે ભેગાં કરી દીધાં. પછી તો ધીમેધીમે ઘરમાં ટીવી આગળ બેસીને રૂબરૂ મેદાન જ જાણે ઉભું કરી દીધું. કુસ્તી કહો કે કબડ્ડી તમામ મેદાનો પ્રેક્ષકો વિનાના બનવા લાગ્યા અને અહીં પેલો જ નિયમ લાગુ પડ્યો – જોનાર નથી તો – રમવાનો ઉત્સાહ નથી ! અને ઉત્સાહ નથી તો પછી તે ક્યાં સુધી ચાલે એ પણ આપણે જાણીએ છીએ જ.

આવી જ બાબતોનું પુનરાવર્તન થવાની શરૂઆત શાળામાં થઇ એવું લાગ્યું. જુન માસથી શૈક્ષણિક સત્ર શરુ થયું પરંતુ કોરોનાને કારણે આ વખતે શિક્ષણ શાળાઓમાં નહિ બાળકોના આંગણામાં અને ટીવી મોબાઈલની સ્ક્રીન પર શરુ થયું. શિક્ષણ વિભાગ ધ્વારા બાળકોના શિક્ષણ કાર્યને ઘર સુંધી પહોંચાડી શકાય તેવા હેતુથી સમય પત્રક સાથે દુરદર્શન ની ગિરનાર ચેનલ પર  હોમલર્નિંગ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો. બાળકો આનો પુરેપુરો લાભ મેળવે તેના માટે શાળા પરિવાર ધ્વારા પણ બાળકોના ઘરનું સર્વે કરી આયોજન કરવામાં આવ્યું. જેમાં...

  • જે બાળકોના ઘરે ટીવી નથી તો ? – સાથે રમતાં મિત્રના ઘરે જોવે તેમની સૂચનાઓ સાથેની બાળકોની ટીમ બનાવી.
  • દુરદર્શન પર જોયા પછી ન સમજાય તે બાબતો બીજા દિવસે ઓનલાઈન ક્લાસમાં અથવા તો પોતાના શિક્ષકને ફોન કરી પૂછે તેવી વાલીઓને પણ જાણ કરી.
  • રોજેરોજ બાળકો સાથેની ટેલીફોનીક મુલાકાતમાં પણ દુરદર્શન જોયું ? અને હોમવર્ક કર્યું ? = આ બે પ્રશ્નોને ખાસ પુછવામાં તેવું નક્કી કરાયું.

આવા આયોજન સાથે રૂટીન કાર્ય શરુ થયું. વાલીઓ પણ જોડાયા. તેઓ પણ બાળકોની પ્રવૃત્તિઓ જોતાં – બાળકોને પૂછતાં – વાતો કરતાં – શિક્ષક સાથે તે અંગેની ચર્ચા કરતા ! બાળકો ધ્વારા પણ જોવે – વાંચે –લખે – સમજે – પૂછે – બધું જ થવા લાગ્યું –ધીમેધીમે આ રૂટીન બન્યું. – જેથી હવે તમે પણ સમજી ગયાં હશો કે રૂટીન બનવું એટલે કે કામ થવું પણ તેમાંનો ઉત્સાહ ઉડી જવો. સમયાંતરે બાળકોને શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે નવો ઉત્સાહ ભરવાનો સમય આવી ગયો હોવાનો અહેસાસ તેમની સાથેની ટેલીફોનીક અને રૂબરૂ મુલાકાત સમયે થવા લાગ્યો. વાલીઓ પણ પોતાના જીવનનિર્વાહ માટેના વ્યવસાયમાં વ્યસ્ત હોય એટલે આમાં સતત ધ્યાન ન આપી શકે. તે માનવું જ રહ્યું. પરંતુ આપણે સૌએ તો ‘બાળકોની કેળવણી’ ને જ વ્યવસાય તરીકે સ્વિકાર કર્યો છે, ત્યારે આપણે બાળકોના દરેક કાર્યમાં ઉત્સાહ વધારવા શું કરી શકાય તેનું મંથન શરુ થયું. વિચારતાં વિચારતાં જ વિચાર આવ્યો - ‘સેલ્ફી વિથ DD’ [એટલે કે દુરદર્શન]. જેમાં નીચે મુજબની વાતો અજમાવાઇ.

·         શિક્ષકો રોજેરોજ બાળકોને હોમ લર્નિંગને રોમાંચિત બનાવી રિમાઈન્ડ કરે. અને તે જોઈ રહ્યાં હોય તેનો ફોટો મંગાવે.

·         ફોટો આવે એટલે વળતો પ્રોત્સાહિત રિસ્પોન્સ કરવો.

·         સુર્યપાલનો આવેલો ફોટો સંદીપને બતાવાય અને જાનકીનો આવેલો ફોટો જીનલને મોકલાવાય.

·         વાલીઓના ગ્રુપમાં પણ શેર કરવાનું આયોજન કર્યું.

અઘોષિત રીતે એવો માહોલ ઉભો કર્યો કે જાણે “બાળકો ફોટોગ્રાફ્સ વડે એકબીજાને પૂછતાં ન હોય કે મેં તો DD જોયું, તમે જોયું?” “જો, અનીતાએ તો જોયું, પ્રિન્સ તેં જોયું ? અમારો પુરક ઉદેશ્ય પણ એ જ હતો કે બાળકોને પણ લાગે કે “અમે આ જોઈએ છીએ,તે પણ કોઈક જોવે છે. હવે બાળકોને પોતે હોમલર્નિંગ જોવા માટેનું ફક્ત ભણવું એ જ એક માત્ર કારણ ની જગ્યાએ મિત્રોને જોતાં બતાવવા માટેનું બીજું કારણ પણ મળ્યું છે.

અને ઉપરની શરૂઆતની વાત ફરીથી કહું કે દરેક રમતમાં ખેલાડીના ઉત્સાહનો આધાર જોનાર પ્રેક્ષકો પર છે. તે વાત આમાં બાળકો પર પણ લાગુ પડે છે – અને તેમાંય પ્રેક્ષકો તરીકે  મિત્રો અને પોતાના શિક્ષકો જ હોય તો પછી પુછવાનું જ શું ?

હજુ મંજિલ દૂર છે ત્યારે આપણા સૌનો ઉત્સાહ ટકી રહે તે માટે બીજું શું કરી શકાય તે માટેના સૂચનો અમને મળશે તો એઝ યુઝવલ અમને ખૂબ ગમશે. 

શીખવા માટેની જગ્યાઓ નહીં, પ્રક્રિયાઓ હોય છે.

અત્યારના આ સમયમાં આપણાં મનમાં એક સામાન્ય લાગણી જે ઊછળી રહી છે અને એ છે કે આ થેંકલેસ જોબ છે

વર્ગખંડ હતો, તેમાં વાતો હતી, લડાઇઓ હતી, સમજ હતી તો ગેરસમજ હતી, હાસ્ય હતા અને રુદન પણ. ગળે મળી જવાની ઘટનાઓ હતી તો સામે રિસાઈ જવાની પણ. કિટ્ટા અને બુચ્ચા સાથે સાથે વહેતા હતા. વર્ગમાં એ દ્રશ્યો સામે રહેતા. કોઈ કહે ના કહે, કોઈ પીઠ થાબડે કે ના થાબડે.. આપણી એ મોજનો દરિયો ઉછળતો રહેતો. અચાનક સંકજામાં એવા ફસાયા છીએ કે આપણને આપણાથી જ સંતોષ નથી. પહેલા કરતાં વધુ સમય આપ્યા પછી ય કોઈક પૂછે કે કેમ છે ? તો તરત જ મુશ્કેલીઓનું મેનૂ હોઠવગું થઈ ગયું છે. છેલ્લા ત્રણેક માસના અમારા અનુભવો પણ આવા મિશ્રિત રહ્યા છે. આજે જુદા જુદા પ્રયત્નોને ફરી જોઈએ તો સમજાય છે કે આ રીતે ધીમે ધીમે આપણામાં ન્યુ નોર્મલ ગોઠવાઈ જશે. ઓનલાઈન (આ સંદર્ભે અગાઉનો આ ઓન હોય કે ઓફ હોય ) લેખ જોઈ જશો તો આ વાત જલદી સમજાશે.) શિક્ષણ એટલે ટેકનોલોજી નહીં પણ જુદી રીતે ઉપયોગ થઈ રહેલી પેડાગોજી. વર્ગમાં શું કરતાં હતા - જે હવે આપણે વર્ચ્યુઅલી કરવાનો પ્રયાસ કરીએ છીએ.  

સમજીએ એક્ચ્યુઅલ vs વર્ચ્યુઅલ

એક્ચ્યુઅલ ક્લાસ  (વર્ગખંડ)

વર્ચ્યુઅલ ક્લાસ  (વાલીખંડ)

 

 

è સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે પ્રશ્નો, જૂથ ચર્ચા અથવા શિક્ષક વડે નિદર્શન

è દરરોજ ચોક્કસ સમયે વિદ્યાર્થીઓ સુધી વોટ્સેપના માધ્યમથી પ્રશ્નો/ટાસ્ક મોકલવા.

è એ પ્રશ્નો/ટાસ્ક માટે તેઓ પુસ્તક વાંચે, વાલીઓને પૂછે અથવા જાતે વિચારી શકે.

è તે પ્રશ્નો/ટાસ્ક બાળકો સુધી પહોંચતા પહેલા શિક્ષકોના ગ્રૂપમાં મુકાય તેમાં ક્વોલિટી સૂચનો મળે, એડિટિંગ થાય. વિડિયો લિન્ક અને ફોટો ઉમેરાય.

è ૧. આમાં દરરોજ સવારે માઈક્રોસોફ્ટ ટીમ વડે જોડાતા બાળકોને બોર્ડ વર્ક અને સીધી વાતચીતનો મોકો મળે.

è ૨.દૂરદર્શન જોતાં બાળકોને ટૉપિક સમજવા માટેની પ્રાથમિક માહિતી મળી જાય. 

è શિક્ષક વડે શરૂ કરાયેલા મુદ્દા પર પોતાની સમજ કહે, લખે અથવા કોઈ ક્રિયા કરે.

è મોકલાયેલાં પ્રશ્નો/ક્રિયાઓની સૂચનાઓનો અમલ કરે અને તે પોતાના વર્ગશિક્ષકને મોકલી આપે.

 

 

 

è  વિદ્યાર્થીઓના પ્રતિભાવો વિષે સમૂહમાં ચર્ચા થાય.

è વર્ગશિક્ષકને મળેલા બાળકોના પ્રતિભાવો ફરી ગ્રૂપમાં ભેગા થાય. તે જોઈ વિષય શિક્ષક વોઇસ મેસેજ/ લખાણ વડે નિષ્કર્ષ આપે. તે પાછું તે બાળકને મોકલી અપાય.

è એમાં મોટાભાગના વિધ્યાર્થીઓને ના સમજાયું હોય તે બાબતોને ધોરણવાર ગ્રૂપમાં ફરી વોઇસ મેસેજ કે લખાણ વડે ફરી કહેવાય.

è મહાવરો કરવા અને જાતે કરી જોવાની પ્રવૃતિઓ અપાય.

è જે તે ટૉપિકની સંકલ્પના પછી તેમને જાતે કરી શકાય તેવા કામ સોંપાય. જેમાં સ્વાધ્યાય લખવાથી માંડી ઘરમાં પૂછપરછ કરી તૈયાર થાય તેવા પ્રોજેક્ટ અપાય.

è વિદ્યાર્થીઓએ કરેલા કાર્યને વર્ગમાં કે શાળામાં ડિસ્પ્લે કરવામાં આવે.

è તેમના કાર્યને ધોરણવાર ગ્રૂપમાં, ફેસબુક, અમારા સ્ટેટસમાં ડિસ્પ્લે કરાય.

è મૂલ્યાંકન થાય. એકમ કસોટી ઉપરાંત આપણી રીતે – જેમાં રોજ રોજ તેના વાણી, વર્તન અને ઉત્સાહમાં થતાં ફેરફારો પણ સતત નોંધ થતી હોય તેના વડે.

è એકમ કસોટી ઉપરાંત – માઈક્રોસોફ્ટ ફોર્મમાં બનાવેલી ક્વિજ વડે જેમાં તેઓ સબમિટ કરે એટલે તેમના ખોટા પડેલા જવાબોની સામે સાચો જવાબ શું આવે તે જોવા મળે.

હવે આ આખી પ્રોસેસમાં શિક્ષક વડે રોજે રોજ થતી નાની નાની નોંધ ખૂબ અગત્યની બની જાય છે. જેમ કે દરેક વર્ગશિક્ષકના ફોનમાં બાળકોના ફોન નંબર તેમના હાજરી પત્રકના ક્રમ સાથે સેવ કરેલા છે. એટલે જ્યારે તેને ફોન કરે ત્યારે તેની નોંધ દૈનિક નોંધપોથીમાં તે ક્રમ સાથે કરે – તેની સાથે થયેલી વાતચીતને કોડ લેંગ્વેજ (અમે અમારી રીતે વિકસાવી લીધી છે. જેમ અકુપારમાં ડોરોથી અને ધાનું વચ્ચે “પ્રોબ્લેમ અને નો પ્રોબ્લેમ” થી કામ ચાલી જતું એમ અમારે “ઓકે અને નોટ ઓકે” થી ચાલી જાય છે.) એ લખાણને અઠવાડિયે જોઈએ તો સમજાય કે કોણ હજુ છૂટી જાય છે ? સાથે જ રૂબરૂ સંપર્ક કોનો કરવો પડશે તેનો ખ્યાલ પણ મળી જાય.

     ટૂંકમાં માત્ર ઓનલાઇન એટલે વિડીયો વડે તેમના ઘરમાં જતાં રહેવાને બદલે પ્રયત્ન છે કે – તેઓ જ્યાં છે, જેવા પણ સંસાધનો સાથે છે (અથવા સંસાધનો વિહીન છે.) તેમને શીખવા માટેના અનુભવો આપતા રહેવા. હજુ શોધ ચાલુ છે કે બધી પ્રક્રિયાઓ પછી પણ જે આનંદ હતો એ ક્યાંથી લાવીશું ? 

ઓન હોય કે ઓફ હોય; શીખવાનું હોય. ✋


કોઈક શબ્દ જરૂરથી વધુ વખત વપરાય પછી તેનો મૂળ અર્થ ગુમાવી દે છે. શિક્ષણની બાબતમાં પણ આવું જ બન્યું. કોરોનાના કારણે દૂર રહી શીખવા માટે કરાતા પ્રયત્નોને આપણે “ઓનલાઇન શિક્ષણ” એવું નામ આપ્યું (અથવા અપાઈ ગયું.)  પછી એ શબ્દ એટલી બધી વખત ઉછળ્યો કે તેના અર્થ બદલાઈને  માત્ર – “વિડીયો કોન્ફરન્સ એટલે ઓનલાઈન શિક્ષણ” એમ બધાના મગજમાં ઠસવા લાગ્યું. હવે આ જ વ્યાખ્યા સાથે ભારતની કોઈપણ શાળા કાર્ય ન કરી શકે. એટલે જ્યારે પણ “ઓનલાઈન” એવો શબ્દ આવે તેની સાથે જ આપણને પ્રશ્નો જ દેખાય (પ્રશ્નો છે પણ ખરા.) પણ હવે જો આ ઓનલાઈન શબ્દને તડકે મૂકી દઈએ  અને ઉપાયો વિચારી તો રસ્તા મળી શકે – શરત એટલી કે જો તેને “વિડીયો કોલિંગ” સાથે જ જોડવાનું ના હોય તો.

આવા સમયનો સૌથી ઉત્તમ રસ્તો તો આ અગાઉના બાયોસ્કોપમાં કહ્યું હતું એમ – આ શિક્ષણ પ્રથાને રીસેટ મારી દઈને નવેસરથી વિચાર કરવાનો હતો. પરંતુ જેમ એક સ્થળે પહોંચવાના બે રસ્તા હોય તેમાંથી એક રસ્તે અડધે સુધી પહોંચીને અફસોસ કરીએ કે પેલો રસ્તો લેવા જેવો હતો તો તેનાથી રસ્તાને નહીં; આપણને ફરક પડે છે. – આવો વિચાર પછી મગજમાંથી હટાવી શકાતો નથી. જે રસ્તે ચાલીએ  છીએ તે રસ્તે બધી મુશ્કેલી જ મુશ્કેલી લાગ્યા કરે અને જે રસ્તે ચાલતા નથી તેના માત્ર સ્વપ્ન અને વિચારો જ આવે.


આવું જ આપની સાથે થઈ રહ્યું છે. ઓનલાઈન કે  ઓફલાઇન શીખવાનું તો જરૂરી હતું. અત્યારે આપણે સૌ કહીએ છીએ કે “શાળા જ શીખવે એવું ના હોય !”  – “બાળક જાતે પણ શીખી શકે.” - “બાળક સમાજમાંથી પણ શીખી શકે.” - “બાળક પોતાના મિત્રો પાસેથી પણ શીખી શકે” - “બાળક રમત દ્વારા પણ શીખી શકે.” - “બાળક તેના વાલી પાસેથી પણ શીખી શકે.” હવે આ  સંવાદોને આપણા જ ભૂતકાળમાં મૂકીને જોઈએ તો આપણને સમજાશે કે આપણે આ બધી રીતે શીખી શકાય એ વાત સમજ્યા પછી પણ તે મુજબ બાળકને  શીખવાની તક ઓછી આપી હતી ! વર્ષોથી આપણે શીખવું એટલે “શાળા શીખવે તે” અને “શિક્ષક જ શીખવી શકે” એ માન્યતાને વાલીઓ અને બાળકોના મગજમાં ઘર કરાવી દીધી. રમત રમે ત્યારે રોકોટક કરી, વર્ગમાં વાતો કરે ત્યારે રોક ટોક કરી, કોઈક ખેતરની વાતો વર્ગમાં લાવે ત્યારે રોકટોક કરી.. અને હવે આપણને આજે સમજાય છે એ રોક ટોક ના કરી હોત આજે તેમનું શીખવાનું સરળ બન્યું હોત –

શાળાઓની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. આપણે જ પહેલા વાલીને સમજાવતા હતા કે આમ અઠવાડિયામાં બે ત્રણ રજા પાડે તો પછી મુશ્કેલી પડશે. જુઓને તેની હાજરી કેટલી ઓછી છે. એટલામાં તો શિક્ષકે વર્ગમાં કેટલું બધુ શીખવ્યું હોય – હવે તમે તો કઈ ઘરે શીખવી શકશો નહીં. એટલે આમ નિશાળ નહીં આવે (મારી પાસે નહીં આવે) તો નુકશાન જ નુકશાન છે. – અને હવે આપણે કહીએ કે હવે ત્રણ ચાર મહિનામાં શું ખાટું મોળું થઈ જવાનું ! 

ચાલો, હોમ લર્નિંગ માટે હોમ ને ક્લાસરૂમમાં ફેરવીએ ! 

 


અત્યારે હોમ શાળાઓમાં ફેરવાઈ ગયા છે. શૈક્ષણિક પ્રક્રિયાઓ હવે આંગણામાં અથવા તો મોબાઈલ સામે કે ટીવી સામે થઇ રહી છે. ઘરની ચહલપહલ વચ્ચે બાળકો માટે લર્નિંગ એટલે કે શીખવાની પ્રક્રિયાઓ અસરકારક રીતે થાય એટલા માટે આપણે સૌ ચિંતિત અને પ્રયત્નશીલ છીએ. આવામાં બાળકની સ્થિતિ શું હશે? તે બાબતે આપણું ધ્યાન ગયું નથી.

ચાલો, વિચારીએ કે તમારે વર્ગખંડની જગ્યાએ મોટા નગરખંડમાં બધાની વચ્ચે ભણાવવાનું થાય છે ત્યારે ? વળી, આપણે વર્ગખંડની જગ્યાએ મોટા નગરખંડમાં બધાની વચ્ચે ભણાવવાનું થાય છે પરંતુ તે ખંડમાં અત્યારે ઘણા બધાં માણસો છે જે કલાસરૂમના નથી, તેઓ પોતપોતાના કામની ચહલપહલમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં શૈક્ષણિક પ્રક્રિયા કરતા શિક્ષકને પ્રક્રિયામાં ફોકસ કરવા માટે કેટલા અને કેવા કેવા પ્રકારના સપોર્ટની જરૂર પડે ? – આ મનોસ્થિતિને જો તમે સમજી શકતા હોવ તો જ તમે બાળકની હોમ લર્નિંગની સ્થિતિનીને સારી રીતે સમજી શકશો. કારણ કે હોમ લર્નિંગ સમયે બાળકની મનોસ્થિતિ કંઈક આવી જ હોય છે. બાળકો ટીવી, મોબાઈલમાં કે પછી શિક્ષક ધ્વારા મોકલાવેલ અન્ય માધ્યમોના લર્નિંગ મટીરીયલ વડે શીખવા માટે મથતાં હોય છે ત્યારે તેની આસપાસની ચહલપહલ પેલા નગરખંડ જેવી જ હોય છે. જેમાં નડતું કોઈ નથી તો મદદમાં ભળતું પણ કોઈ નથી. અને આવા સમયમાં જયારે એક તરફી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે બાળકને ન સમજાય એવી વાત કે મુદ્દો કે શબ્દ આવતાં જ બાળક સીધો જ પ્રક્રિયાથી ડીસકનેક્ટ થઇ જતો હોય છે. તે સ્વાભાવિક પણ છે છે કે તે અત્યાર સુધી ઘરના પર્યાવરણમાંથી શૈક્ષણિક પ્રક્રિયા માટે અનુકુળ પર્યાવરણ શોધવા મથામણ કરતો હતો . હવે એવામાં જ શૈક્ષણિક પ્રક્રિયામાં ન સમજાતી વાત આવે, તો એ પણ સમજવા માટેની મથામણ માટે સક્ષમતા સાબિત ન પણ કરી શકે !

હવે આવી સ્થિતિમાં શિક્ષક તરીકે આપણે શું કરી શકીએ ? – જો આવો વિચાર આવે ત્યારે ફરીથી ઉપરની નગરખંડની આપણી એટલે કે શિક્ષકની માનોસ્થિતિ તરફ વિચાર કરવો પડે.  તે સમયે આપણે કેવી-કેવી અને ક્યાંથી-ક્યાંથી સપોર્ટની અપેક્ષાઓ રાખીએ ? તેવી જ અપેક્ષાઓ બાળક તરફથી આપણા માટે હોય તે સ્વાભાવિક છે.

જો આ તરફી વિચાર શરુ કરીએ તો તે શાળાનાં બાળકો માટે આપણે વાલી બનીને વાલી પૈકી કોઈને બાળકના ગાઇડ તરીકેની ભૂમિકામાં ફેરવવા પડશે. જે બાળકની મથામણમાં સામેલ થાય.

આ કરવા માટે આપણે અત્યાર સુધી જેમ બાળકને સમજતા હતા તેમ હવે વાલીને સમજવાની શરૂઆત કરવી પડશે. આપણે વાલીને તેમની પક્ષમાં ઉદાહરણો આપીને કહેવું પડશે કે તે બાળકોને કેવી રીતે મદદરૂપ થઈ શકે.

નાના મુદ્દાઓ પણ તેમણે કહીએ.. ઉતાવળ ના કરો, ગુસ્સે ના થાઓ, તેને જાતે શીખવા દો , મથવા દો, તે પૂછે ત્યારે તેને બીજા સવાલ પણ પૂછો..

આવા પ્રયત્નથી એકવાર વાલીને પોતાના બાળક સાથે તાલમેલ ગોઠવતા આવડી જશે તો બાળકો બીજું બધુ પોતાની જાતે ફોડી લેશે.

ચાલો ત્યાં સુધી બાળકની આસપાસનો એવો સાથી જે ઘરે બાળક માટે આપણો પુરક [રિપ્લેસ ] બની શકે તેવા વ્યક્તિ સાથેનો આપણો તાલમેલ વધારીએ અને બાળક ને બળ આપીએ.   

         
રાજ્યની સ્કૂલો હાલમાં કોરોના વાયરસના પગલે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી પાસ કરી દેવામાં આવ્યા છે ત્યારે લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ ઘરે બેસીને શિક્ષણથી દૂર ન થઈ જાય તે માટે સ્ટડી ફ્રોમ હોમ અભિયાન અંતર્ગત હવે ધોરણ-૩થી ૮ના વિદ્યાર્થીઓને વોટ્સએપ-સોશિયલ મીડિયા મારફતે ‘વિકલી લર્નિંગ મટિરીયલ’ આપવાનું આયોજન કરાયું છે. દર શનિવારે વિદ્યાર્થીઓને આ મટિરીયલ મળશે અને તે પ્રમાણે તેમણે ઘરે બેસીને અભ્યાસ કરવાનો રહેશે. આગામી ચારથી પાંચ સપ્તાહ સુધી આ મટિરીયલ વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે. આમ, હાલની સ્થિતિને લઈ વિદ્યાર્થીઓ માટે આ પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિના પગલે શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. જ્યારે ધોરણ-૧થી ૯ અને ૧૧ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં મોકલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ છે. આ સ્થિતિને જોતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને જાળવી રાખવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સ્થાનિક ગુજરાતી ચેનલ મારફતે તજજ્ઞ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.                                                                                                                    શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રયાસોને આગળ વધારતા હવે ધોરણ-૩થી ૮ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને આગળ લઈ જવા માટે ૨૮ માર્ચ, ૨૦૨૦ એટલે કે શનિવારથી જ વિદ્યાર્થીઓને વિકલી લર્નિંગ મટિરીયલ આપવાનું આયોજન કર્યું છે. દર શનિવારે બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર  તથા ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર વોટ્સએપ તથા સોશિયલ મીડિયાના મારફતે સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત વિકલી લર્નિંગ મટિરીયલ વિદ્યાર્થીઓ માટે આપશે. આ કામગીરી આગામી ચારથી પાંચ શનિવાર સુધી સતત ચાલુ રહેશે.                                          આ લર્નિંગ મટિરીયલ શનિવારે વિદ્યાર્થીને મળ્યા બાદ આગામી શનિવાર સુધી તે પૂર્ણ કરવાનું રહેશે અને ત્યારબાદ શનિવારે મળનારું મટિરીયલનું કાર્ય આગામી શનિવાર સુધી પૂર્ણ કરવાનું રહેશે. આ મટિરીયલ વાલીઓને મોકલવામાં આવશે અને તેમણે ઘરે રહીને વિદ્યાર્થીઓને તેનું અધ્યયન કરાવવાનું રહેશે. આ ઉપરાંત તેમાં જણાવવામાં આવેલી સૂચના મુજબ પ્રવૃત્તિ કાર્ય કરવાની રહેશે તેમ પણ જણાવાયું છે. આમ, વિદ્યાર્થીઓને સ્ટડી ફ્રોમ હોમ માટે શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક પગલું લેવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓે શિક્ષણથી અળગા ન રહી જાય તે માટે પ્રયાસો કરાયા છે.                                                                           આમ, સ્ટડી ફ્રોમ હોમ અભિયાન અંતર્ગત વિકલી લર્નિંગ મટિરીયલનું બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર, આચાર્ય અને શિક્ષક દ્વારા સોશિયલ મીડિયા, વોટ્સએપ અને ફોન સંપર્કથી વાલીઓ સાથે જોડાઈ વિદ્યાર્થીઓ અધ્યયન કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ માટે સર્વ શિક્ષા અભિયાન દ્વારા પરિપત્ર કરી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને તે અંગે અમલ કરવા માટે પણ સૂચના અપાઈ છે.                                                                                                                                                     સોશિયલ મીડિયા થકી ઈ-બુક્સ પહોંચતા કરાયા  હાલમાં સ્કૂલો બંધ છે અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળી ગયું હોઈ આગામી વર્ષ માટેના પુસ્તકો લેવા માટે તેઓ અત્યારે બજારમાં નીકળી શકે તેવી સ્થિતિમાં નથી. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ધોરણ-૧થી ૧૦ના વિદ્યાર્થીઓને ઈ-બુક પણ આપવામાં આવી છે. જેના પગલે વિદ્યાર્થીઓ ઘરે બેસીને આગામી વર્ષના નવા પુસ્તકો ડાઉનલોડ કરી અભ્યાસ કરી શકશે.










ઓનલાઈન  : વર્ચ્યુઅલ ક્લાસ 
























ઓનલાઈન હો યા  ઓફલાઇન : હાથ લગે વોહી જ્ઞાન.

              



        શેરી શિક્ષણ સાથે શાળાનો સામાન્ય માહોલ ઉભો        કરવાનો પ્રયાસ શરુ કરાયો, બનાવ્યો ખાસ પ્લાન

શિક્ષણની પ્રક્રિયામાંજો હો જાયે શુરુ,વો હી ગુરુ!





શાળામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી એટલે જાણે પતંગિયા વિહોણો બગીચો !!!






શેરી શિક્ષણ  ઇન્દિરા આવાસ 


શેરી શિક્ષણ  રામજી મંદિર 

શેરી શિક્ષણ  મહાદેવ મંદિર













G-SHALA 



https://gshala.schoolnetindia.com/